Election after fiver festival of INDIA
ભાજપના "ચાણક્ય" અમિત શાહ: સંગઠનમાંથી સરકારમાં...???
જો હા...તો તે ભાજપની સૌથી મોટી વ્યૂહાત્મક ભૂલ હશે...!!!
.
૨૦૧૯માં "મોદી મેજીક"નો "અન્ડરકરન્ટ" ઉભો કરીને ભાજપને "૩૨૦ પાર" કરાવનાર કુશળ રણનીતિકાર અને સંગઠન માટે પોતાની જાત હોમી દેનાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિત શાહ કેન્દ્ર સરકારમાં બહુ મહત્વનું પદ પ્રાપ્ત કરશે એવી ચર્ચાઓ ઉચ્ચ કક્ષાના સૂત્રોમાં થઇ રહી છે. જો આ વાત સત્ય સાબિત થશે તો તે "ભાજપના પગમાં કુહાડા" સમાન સાબિત થશે. તેની પાછળનું મૂળ કારણ એ છે કે નરેન્દ્ર મોદીને બાદ કરીએ તો ભાજપમાં સંઘ પરિવાર કરતા પણ વિશેષ મહત્વ અમિત શાહનું રહ્યું છે.
.
૨૦૧૯ની જીતનું શ્રેય જેટલું નરેન્દ્ર મોદીને જાય છે તથા જેટલું સંઘ પરિવારને જાય છે તેટલું જ શ્રેય અમિત શાહને પણ જાય છે. સંઘ પરિવારે ભાજપ માટે એક "વૈચારિક ભૂમિ" તૈયાર કરી પરંતુ અમિત શાહે મોદીને "બ્રાન્ડ" બનાવીને મતદારો સમક્ષ પેશ કર્યા. તે માટે તેમને સંગઠનને એટલું મજબૂત કર્યું કે સમગ્ર દુનિયાના રાજકીય પક્ષોને અમિત શાહની ઈર્ષ્યા આવી જાય. અમિત શાહે છેલ્લા પાંચ વર્ષમાં ભાજપ કાર્યકર્તાઓની સંખ્યા અઢી કરોડથી વધારીને અગિયાર કરોડ કરી દીધી. આ નાની સિદ્ધિ નથી. આ કાર્યકર્તાઓ દ્વારા અમિત શાહે રણનીતિ અમલમાં મુકાવી. ગલી-ગલી, મહોલ્લા-મહોલા અને સોસાયટી-સોસાયટીમાં આ કાર્યકર્તાઓની "ફોજ" ભાજપ માટે ફરી વળી હતી.
.
દેશભરમાં ૧૦.૩૫ લાખ બુથમાંથી ૦૮.૬૫ લાખ બુથ એટલે કે લગભગ ૮૪% બુથમાં ભાજપના કાર્યકર્તાઓની નિયુક્તિ કરી. ૦૧.૬૦ લાખ શક્તિ કેન્દ્ર બનાવ્યા અને તેના દ્વારા સંગઠનનું દરેક કાર્ય કરવામાં આવ્યું. "એક બુથ ટેન યુથ" હેઠળ ૮૫ લાખ કાર્યકર્તાઓને બુથ લેવલે ભાજપ સાથે અને ભાજપના પ્રચાર માટે જોડયા. "પેજ પ્રમુખ"ની યોજના હેઠળ ૦૨.૫ કરોડ કાર્યકર્તાઓને અને "અર્ધ-પેજ પ્રમુખ" યોજના હેઠળ ૦૪.૫ કરોડ કાર્યકર્તાઓને બુથ કક્ષાએ સામેલ કર્યા. મેનેજમેન્ટના તજજ્ઞો પણ મોંમાં આંગળા નાખી જાય તેવું "માઈક્રો-મેનેજમેન્ટ" પ્રત્યેક બુથમાં કરવામાં આવ્યું. આ બહુ ભગીરથ કાર્ય હતું જે અમિત શાહે સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.
.
૨૦૧૪માં ૧૨૦ બેઠકો ઉપર ભાજપે હારનો સામનો કરવો પડ્યો હતો તેના ઉપર ત્રણ વર્ષ પહેલા જ એટલે કે ૨૦૧૬થી જ લગાતાર કાર્ય કરવામાં આવ્યું અને પ્રત્યેક બેઠક ઉપર ભાજપની સ્થિતિને મજબૂત કરવામાં આવી. આ ૧૨૦ બેઠકોમાંથી ભાજપ આ વખતે ૮૦ બેઠકો ઉપર ચૂંટણી લડી અને અડધા કરતા વધારે બેઠકો પ્રાપ્ત કરી. દેશભરમાં ભાજપે ૬૧ કોલ સેન્ટર્સ બનાવ્યા અને તેને ચૂંટણીના છ મહિના પહેલાથી કાર્ય કરવાનું શરુ કર્યું હતું. આ કોલ સેન્ટરમાં ૧૫,૬૮૨ કોલર્સે ભાજપ અને એનડીએની કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના ૨૪.૨૧ કરોડ લાભાર્થીઓનો સંપર્ક કરીને ભાજપ અને એનડીએ માટે મત માંગવામાં આવ્યા. તેને કારણે જ ભાજપે પ્રત્યેક બેઠક ગઈ ચૂંટણી કરતા વધારે માર્જિનથી જીત મેળવી છે.
.
જાન્યુઆરી ૨૦૧૬થી જ ભાજપે પ્રચાર શરુ કરી દીધો હતો. દેશભરમાં બુથ સંમેલન, કાર્યકર્તા સંમેલન અને ક્લસ્ટર સંમેલન આયોજિત કરવામાં આવ્યા. દેશભરમાં ૧૫૮ ક્લસ્ટર સંમલેન કરવામાં આવ્યા. જાન્યુઆરી ૨૦૧૬થી લોકસભાની ચૂંટણીના મતદાન સુધીમાં પ્રત્યેક રાજ્યના કાર્યકર્તાઓના સંમલેન ત્રણ વખત આયોજિત કરવામાં આવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કાર્યકર્તા સંમેલનને વિડીયો કોન્ફરન્સથી સંબોધિત કર્યા હતા.
.
રાષ્ટ્રીય લેવલે ૧૮ સમિતિઓ અને પ્રદેશ લેવલે ૨૯ ચૂંટણી સમિતિઓ બનાવવામાં આવી. આ સમિતિઓમાં ભાજપના ૪૩૫ વરિષ્ઠ નેતાઓ હતા. ૪૮૨ ચૂંટણી સંચાલન સમિતિઓ બનાવવામાં આવી હતી જેમાં ટોચના ૭,૨૩૦ કાર્યકર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
.
એક પછી એક એમ સતત કાર્યક્રમો દ્વારા બુથ કક્ષાથી શરુ કરીને ગ્રામ્ય, તાલુકા, જિલ્લા, શહેર અને રાજ્યકક્ષા સુધીના કાર્યકર્તાઓ અને નેતાઓને સતત ત્રણ વર્ષ સુધી દોડતા રાખ્યા અને આ કરોડો કાર્યકર્તાઓ પાસેથી કાર્ય લઈને ભાજપના પ્રત્યેક બુથને મજબૂત બનાવીને સફળતા પ્રાપ્ત કરાવી.
.
સોશિયલ મીડિયામાં "નમો એપ" "માઈક્રો ડોનેશન" "મૈં ભી ચોકીદાર" જેવા જુદા જુદા અભિયાન દ્વારા મોદી અને ભાજપનું જબરજસ્ત "બ્રાન્ડિંગ" કરવામાં આવ્યું. વિરોધ પક્ષ દ્વારા કાઉન્ટર અભિયાન શરુ કરવામાં આવે તેની સાથે તે અભિયાનને ઝાંખું પાડવા માટે સતત નવી નવી વ્યૂહરચનાઓ ઘડાતી રહી અને સોશિયલ મીડિયામાં એક "યુદ્ધ" લડવામાં આવ્યું. સોશિયલ મીડિયા ઉપર ૨,૫૦૦ રાજકીય જાહેરાત રજુ કરીને તેની પાછળ લગભગ ૪.૨૫ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો. "માય ફર્સ્ટ વોટ ફોર મોદી", "ભારત કે મનકી બાત", "નેશન વિથ નમો" જેવા જુદા જુદા પેજ દ્વારા સોશિયલ મીડિયા નેટવર્કિંગ સાઈટ ઉપર સતત અભિયાન ચલાવવામાં આવ્યું અને તે માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. જેમ જેમ જેવી જરૂરિયાત ઉભી થઇ તેમ તેમ નવા નવા "સ્લોગન" આવતા રહયા અને તેને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચારિત કરવામાં આવતા રહયા જેમાં "ફિર એક બાર મોદી સરકાર" "મોદી હૈ તો મુમકીન હૈ" અને "અબ કી બાર તીનસૌ કે પાર" મુખ્ય રહયા અને તે મતદારોની જીભે ચઢી ગયા. ડિજિટલ મીડિયામાં ભાજપે લગભગ ૧૭ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો.
.
૩,૦૦૦ ફૂલ ટાઈમ કાર્યકર્તાઓએ સતત બે વર્ષ સુધી વિધાનસભા અને લોકસભા ક્ષેત્રોમાં કોઈપણ પ્રકારની ઓળખ વગર કાર્ય કર્યું અને જે તે વિધાનસભા વિસ્તારની ઝીણામાં ઝીણી માહિતી રાષ્ટ્રીય અધ્યક્ષને પહોંચતી કરી.
.
આમ ભાજપના ચાણક્ય એવા અમિત શાહે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે તનતોડ મહેનત કરીને અને કુશાગ્ર બુદ્ધિથી વ્યૂહરચના અને રણનીતિ ઘડીને ભાજપને સર્વોચ્ચ કક્ષાએ લઇ આવવામાં મહત્વની ભૂમિકા અદા કરી છે ત્યારે પક્ષને હજુ બીજા ત્રણ વર્ષ એટલે કે ડિસેમ્બર, ૨૦૨૨ સુધી અમિત શાહની જરૂર છે. આ ત્રણ વર્ષ દરમિયાન એટલે કે ૨૦૧૯-૨૦૨૨ દરમિયાન ૧૬ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ આવશે. તેમાંથી ૦૯ રાજ્યોમાં હાલમાં ભાજપ અથવા એનડીએની સરકાર છે અને ૦૭ રાજ્યોમાં ભાજપ કે એનડીએની સરકારો નથી. બાજપાઈજીના વડાપ્રધાનના સમયમાં સંગઠન ઉપર ધ્યાન આપવામાં આવ્યું ન હોતું અને તેને કારણે ભાજપ અને એનડીએએ ૨૦૦૪માં હારનો સામનો કરવો પડ્યો હતો. તે ભૂલ ૨૦૧૪માં વડાપ્રધાનપદે આવ્યા પછી નરેદ્ન્ર મોદીએ ન કરી અને સરકારની સાથે સાથે સંગઠન ઉપર પણ ઇલ્તુ જ વ્યાપક ફોક્સ કરવામાં આવ્યું તેનું પરિણામ તેમને ૨૦૧૯માં જ્વલંત વિજયના રૂપમાં પ્રાપ્ત થયું છે. આથી જ હજુ પણ આવનારા ત્રણ વર્ષ માટે સંગઠનમાં અમિત શાહની જરૂર છે. તેની પાછળના કારણો પણ છે.
.
આવનારા થોડા મહિનાઓમાં જ દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ અને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ આવશે. આ ચૂંટણીઓમાં ભાજપ અને એનડીએએ એડીચોટીનું જોર લગાવવું પડશે. ચૂંટણીઓની વ્યૂહરચના અને રણનીતિ માટે "ચાણક્ય" અમિત શાહ જ જોઈશે. તેવી જ રીતે ૨૦૨૧માં આસામ, કેરળ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ અને પોન્ડિચેરીમાં વિધાનસભાની ચૂંટણીઓ આવશે તથા ૨૦૨૨માં ઉત્તરપ્રદેશ, ગુજરાત, ગોવા, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ અને ઉત્તરાખંડની વિધાનસભાની ચૂંટણીઓ આવશે. આ તમામમાં અમિત શાહની જાદુઈ વ્યૂહરચનાઓની જરૂર પડશે જ અને તે માટે તેઓ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રહે તે પક્ષ અને સરકાર બંને માટે ઉત્તમ નીવડશે.
.
આવું કહેવા પાછળ કારણો છે. અમિત શાહે કુશળ રણનીતિ અંતર્ગત પોતાના સહયોગી પક્ષો સાથે બાંધછોડની નીતિ અખત્યાર કરીને એનડીએને ભવ્ય જીત અપાવવામાં મદદ કરી. ઉદાહરણ તરીકે બિહારમાં જનતા દળ પાસેથી માત્ર ૧૭ બેઠકો સ્વીકારીને બિહાર રાજ્યમાં તમામ પક્ષોનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો. જો બાંધછોડ ન કરી હોત તો એનડીએનો ઘડો-લાડવો થઇ જતો. તેવી જ રીતે મહારાષ્ટ્રમાં સતત પાંચ વર્ષથી ભાજપ અને નરેન્દ્ર મોદીની ટીકા કરી રહેલ શિવસેના સાથે ઓછી બેઠકો ઉપર લડવાનું સ્વીકારીને તથા આંબેડકરવાદી પક્ષોને કોંગ્રેસ સાથે ગઠબંધનમાં ન જાય તે ધ્યાન રાખીને એનડીએને મહારાષ્ટ્રમાં જ્વલંત વિજય અપાવ્યો. આ બે ઉદાહરણો છે. આવા ઉદાહરણો રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ તથા હરિયાણામાં પણ જોવા મળે છે. આથી અમિત શાહનું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષપદે રહેવું ભાજપ અને એનડીએની અનિવાર્યતા છે. તે માટે જો ભજપના બંધારણમાં સુધારો કરવો પડે તો કરીને પણ તેમને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષપદે બીજા ત્રણ વર્ષ સુધી નિયુક્ત કરવા જોઈએ એમ મારું માનવું છે.
.
૨૦૧૯-૨૦૨૨ દરમિયાન અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રહે અને તે દરમિયાન અન્ય નેતાને અમિત શાહના નેતૃત્વમાં ભવિષ્યના અધ્યક્ષપદ માટે તૈયાર કરવામાં આવે એવી રણનીતિ ભાજપે સંગઠન માટે અખત્યાર કરવી જોઈએ એવો મારો વ્યક્તિગત મત છે.
વંદે માતરમ્
ટિપ્પણીઓ